-:પાનસિંગ તોમર:-
*એક ગુજરાત નો રસપ્રદ બહારવટિયા ની વાત.
૬૦ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતનો 'પાનસિંગ તોમર' ભૂ પત પાકિસ્તાનથી ઝડપાયો!
ભુપત બાહરવટયો તથા રાણો આહીર સમયાંતર - લલિત ખંભાયતા
એ રમતવીર હતો, પણ રમતના મેદાનમાં નિશાનેબાજી માટે ગન હાથમાં લેવાને બદલે તેણે દુશ્મનોને ભડાકે દેવા જામગરી ઉપાડવી પડી. ભૂપત બહારવટિયો ગુજરાતનો છેલ્લો મોટો બહારવટિયો હતો.
૮૦ કરતાં વધુ હત્યાઓ બાદ પણ ગોળીએથી વિંધાવાને બદલે એ કુદરતી મોતે મરેલો! અન્યાયો સામે મેદાને પડેલા ભૂપત પર જેતપુરના જીતુભાઈ ધાધલે નમૂનેદાર સંશોધન કર્યું છે. એ સંશોધનમાંથી ખબર પડે છે, કે ભૂપતસિંહને બહારવટિયો ભૂપત બનાવવાનું કામ એ વખતની સરકારે જ કરેલું!
૧૯૪૪નું વર્ષ છે. આઝાદીનો સૂર્યોદય હજુ ઊગું ઊગું થઈ રહ્યો હતો. વડોદરા ગાયકવાડી સરકારના તાબાનું અમરેલી એ સમયે ઝગારા મારતું શહેર હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારી રમતોત્સવનું આયોજન થયેલું. સૌરાષ્ટ્રભરનાં નાનાં-મોટાં રજવાડાંઓના રમતવીરો મૂછોના થોભિયા પર હાથ ફેરવતાં ફેરવતાં સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ગયેલા. રમતો શરૂ થઈ. દોડ, કૂદ, ઘોડેસવારી, ગોળાફેંક એમ એ સમયની એક પછી એક સ્પર્ધાઓ પૂરી થઈ. પરિણામો જાહેર થયાં. લગભગ બધાં જ પરિણામોમાં વિજેતા તરીકે એક નામ ઊડીને આંખે વળગતું હતું: રાજપૂત ભૂપતસિંહ મેરુજી કાળુજી. વાઘણિયા દરબારનો ખાસ માણસ ગણાતો ભૂપત દોડમાં પહેલા નંબરે આવેલો. લાંબી કૂદ, ગોળાફેંક અને ઘોડેસવારીમાં પણ તેનું નામ પહેલા ત્રણમાં જ હતું. આવી તો કંઈક સ્પર્ધાઓમાં ભૂપતનું નામ વિજેતા તરીકે રહી ચૂકેલું. વાઘણિયા તરફથી જ્યારે પણ મેદાનમાં ઊતરતો ત્યારે બે-ચાર માન-અકરામ વાઘણિયાના નામે કરે એ નક્કી રહેતું. વાઘણિયા દરબારના દીકરાને શાળાએ મૂકવા જતી બગી સાથે ભૂપતે દોડવું પડતું એટલે દોડમાં તેને કોઈ આંબી શકે એમ ન હતું. વળી દરબાર સાથે શિકારે પણ જવાનું થતું એટલે નિશાનેબાજીને પણ ઘોળીને પી ગયેલો.
જુવાન થયેલો ભૂપત બગસરા પાસેના વાઘણિયા દરબારનો ચાકર હતો. ચાર ચોપડી સુધી ભણેલો. વળી સૌરાષ્ટ્ર માટે લડતી આરઝી હકૂમતનો સેનાની પણ ખરો.
👉 અગત્યનુ પણ વધારે
વાઘણિયાની નોકરીમાં ભૂપતનો સાથીદાર નાજાપુર ગામનો રાણા નામનો એક આયર હતો. એકાદ નાના એવા ગુનામાં રાણો જેલમાં ગયો ત્યારે પાછળથી નાજાપુરના કરસન અને તેના સાથીદાર પટેલોએ રાણાના બાપુજીને બેરહેમીથી મારેલા. રાણાને એ વેર લેવું હતું. તેણે ભૂપતને વાત કરી. ભૂપતે રાણાને સમજાવ્યો કે સમય સમયનું કામ કરશે. હાલ ધીરજ રાખો. ત્યાં સુધીમાં દેશ આઝાદ થઈ ગયેલો. કોંગ્રેસીઓ સત્તા પર હતા. વાઘણિયા પાસેના ગામ વાંસવાડાના કોંગ્રેસી માર્કંડરાય દેસાઈને વાઘણિયા દરબાર અમરાવાળાની લોકપ્રિયતાથી ભારે ઈર્ષ્યા થતી. માર્કંડ અમરાવાળાને આંટીમા લેવાની વેતરણમાં હતો. ક્યારે કોઈ તક આવે અને ક્યારે અમરાવાળાને સાચા-ખોટા કેસમાં ફિટ કરી દઉં! એવામાં એક વખત વાંસવાડામાં ધાડ પડી. ધાડમાં માર્કંડ જ સૂત્રધાર હોવાની વાત બહાર આવી, પણ સરકાર એની જ હતી. એટલે આક્ષેપ તો ક્યાંથી સાબિત થાય? ૧૯૪૮માં માર્કંડે ધાડનો આરોપ વાઘણિયા દરબાર પર ઠોકી પાંચ માણસોની ધરપકડનું વોરંટ કઢાવ્યું. એ પાંચમાં ભૂપતનું પણ નામ હતું! એ વોરંટનાં વાક્યો જાણે ભૂપત માટે બહારવટિયો બનવાનું ફરમાન હતું.
થોડા સમય માટે વોરંટનો અમલ મુલતવી રહ્યો. દરમિયાન વાઘણિયા દરબારે ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધેલી. હવે માર્કંડ અને તેની ટોળકી ફરીથી પ્રજાને રંજાડતી થઈ. પેલા વોરંટ પ્રમાણે ફરીથી ધરપકડ કરવાના હુકમો થયા. ત્યાં સુધીમાં ભૂપત સમજી ગયેલો કે આ સરકાર આપણને સુખેથી જીવવા નહીં દે. માટે તેમના અન્યાયો સહન કરીને રોજ રોજ મરવા કરતાં ચોરેધાડે એક વખત મરવું સારું. તેની પાસે બહારવટાં સિવાય વિકલ્પ હતો નહીં અને વળી એમાં રાણો તો પહેલેથી જ તેના સાથીદાર તરીકે હાજર હતો.
👉 રમતવીર ભૂપતસિંહ બહારવટિયો ભૂપત બન્યો
ભૂપત અને રાણો વાઘણિયાના ભીડભંજન મહાદેવના મંદિરે આવ્યા. આમ તો એ અહીં ઘણી વખત આવતા, પણ આ વખતે તેમનો ઇરાદો કંઈક જુદો જ હતો. મહાદેવને શીશ નમાવી દેવાયત ખાચર નામના સાથીદારને સાથે લઈ ત્રણેય રાણાના બાપને મારનાર કરસન પટેલને ઠાર કરવા ઉપડયા. નાજાપુર તરફ જતાં એ પગલાં ઇતિહાસ કંડારવા જઈ રહ્યાં હતાં.
ચોમાસાની ઋતુ પુરબહારમાં હતી. ખેતરોમાં મ્હોલાત સાથે માણસોની પણ ભીડ હતી. ખેતરોમાં નીંદામણ ચાલતું હતું. આકાશમાં વાદળો હડિયાપટ્ટી કરતાં હતાં. એવે ટાણે ભૂપત અને રાણો દેવાયતને આઘેરો મૂકી ખેતરો ખૂંદતા ચાલ્યા જતા હતા. આકાશમાં સંધ્યાની લાલીમા જોઈ ભૂપતે રાણાને મૂછમાં કહ્યું: આ કરસનના મોતના રંગો છે! કરસન ખેતરમાં કામ કરતો હતો. ભૂપત અને રાણાએ ત્યાં જઈને જ ગોળીએ દીધો. ત્યાં કામ કરતાં બીજા લોકોને ભૂપતે સંદેશો આપ્યો કે અમે રાણાના બાપનું વેર વાળવા આવ્યા છીએ અને એ વળી ગયું. બીજા કોઈએ ગભરાવાનું કારણ નથી.
રમતવીર ભૂપતસિંહ બહારવટિયો ભૂપત બન્યો એ તારીખ હતી, ૧૯૪૯ની ૨૪મી જૂન.
👉 બહારવટિયો ભુપત અને તેના સાથીઓ
ભૂપતને સમજાયું કે ૩ જણામાં બહારવટું ન થાય. વધારે સાથીદારો જોઈશે. ઢેબરભાઈની સરકારથી દાઝેલાઓની કમી ન હતી. સરકાર નિદોર્ષને રંજાડવામાં પાછું વળીને જોતી ન હતી, એટલે ભૂપતને સાથીદારો મળવા મુશ્કેલ ન હતા, પણ બહારવટામાં ગમે તેને સાથે ન લેવાય! એ માટે ટકોરાબંધ સાથીઓ પસંદ કરવા પડે. એ વખતમાં સૌરાષ્ટ્રમાં વીસો માંજરિયો નામનો બીજો એક નાનો એવો બહારવટિયો પણ તોફાન મચાવતો હતો. ભૂપતે તેને પોતાની ટોળકીમાં લીધો.
દરમિયાન ભૂપતની બંદુકમાંથી નીકળતી ગોળીઓની ગુંજ ઢેબર સરકારના કાન સુધી પહોંચી ચૂકી હતી. પકડવા પોલીસ સાબદી થઈ હતી. બાતમીદારો સહિતના નેટવર્ક ગોઠવાયાં હતાં. એ બધા વચ્ચે જૂનાગઢ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સી.જી.મેઘા ભૂપતને એકાંતમાં મધરાતે રૂબરૂ મળી બહારવટું પડતું મૂકવા સમજાવી ચૂક્યા હતા. ભૂપત જોકે પોતાના નિર્ણયમાં બહુ મક્કમ હતો. એ નિર્ણય લેવામાં ખાસ્સી વાર લગાડતો, પણ એક વખત નક્કી કર્યા પછી એકના બે થવાની તેને આદત ન હતી.
એ બધા વચ્ચે ભૂપતને જૂનાગઢના ભેંસાણ પાસેના ખાચરિયામાં જન્મેલો કાળુવાંક નામનો સાથીદાર મળી ચૂક્યો હતો. એ આગળ જતાં ભૂપતનો ખાસ સાગરિત બન્યો અને પાકિસ્તાન જઈ તેણે ભૂપતની ટોળકીનાં પરાક્રમો પર 'ભૂપતસિંહ' નામે પુસ્તક પણ લખ્યું! નાની-મોટી લૂંટફાંટ વચ્ચે ભૂપત ટોળકીનો મૂળ ઉદ્દેશ ઢેબર સરકારના અન્યાઓને ભરીપીવાનો હતો. એ માટે દર થોડા સમયે સરકારને સણસણતા તમાચા વાગ્યા કરે એની ભૂપત ખાસ કાળજી લેતો.
એક વખત ભૂપતની ટોળકી વિસાવદર પાસે આવેલા કાસિયાનેસ ખાતે રેલવે ટ્રોલી લૂંટવા ગઈ, પણ એ રાતે કોઈ કારણોસર ગાડી આવી નહીં, એટલે ભૂપતની ટોળકી પહોંચી સ્ટેશન માસ્તર પાસે અને કહ્યું કે અમારે બધાને વાળુ (ભોજન) કરવું છે, વ્યવસ્થા કરો! વીસો માંજરિયો સંગીતનો શોખીન હતો. ભોજન થાય ત્યાં સુધીમાં તેણે સ્ટેશન માસ્તરનું ગ્રામોફોન ચાલુ કર્યું! વીસાને તો તેના પૂર્વસૂરી બહારવટિયા રામવાળા કે બીજા કોઈના દુહા સાંભળવા હતા, પણ એ રેકર્ડ હતી નહીં એટલે વીસાએ ગુસ્સામાં બે-ચાર રેકર્ડ તોડી નાખી!
ગરીબોને લૂંટતા ધનપતિઓને લૂંટવા એ ફોર્મ્યુલા હિન્દી ફિલ્મોમાં આવા બહારવટિયાઓ પાસેથી જ આવી હશે. જ્યાં ખબર પડે કે ફલાણા ગામનો ફલાણો ભાઈ બહુ ત્રાસ વર્તાવે છે ત્યાં પહોંચી ભૂપતની ટોળકી તેને ભડાકે દેતી. એમનું ધન લૂંટી ક્યારેક ગરીબોમાં પણ વહેંચતા.
અલબત્ત, ભૂપત સામે પડતાં એ ગમે તેટલાં અને ગમે તેવાં હથિયારોથી સજ્જ હોય, તો પણ તેમને હથિયારો હેઠાં મૂકવાનો વારો આવતો.
સૌરાષ્ટ્રમાં રખડતી ડફેર ટોળકીને સરકારે ભૂપતને ગોળીએ દેવાનું કામ સોંપેલું. સરકારે એ માટે ડફેર ટોળકીને હથિયાર સહિતની સગવડો આપેલી. એક વખત એક ડફેર અને ભૂપત સામસામે આવી ગયા. ફાંકા ફોજદારી કરતાં એ ડફેરોને ભૂપતે ભડાકે દેતા બીજા બધા ડફેરોએ પણ ભૂપતને શોધવાનું કામ પડતું મૂકી ભોં ભેગા થઈ ગયેલા.
ભૂપત અને તેની ગેંગ ભાગવા માટે ઘોડા તો વળી ક્યારેક ઊંટ સહિતના પશુઓનો ઉપયોગ કરતી. જરૂર પડે ત્યાંથી ઘોડા લેતાં અને કામ પતે એટલે ઘોડાને છૂટા મૂકી દેતા. વખત આવ્યે આખેઆખી રાત જંગલમાં ચાલી પણ નાખતા, પણ હવે સરકારને ખબર પડી ગઈ કે ભૂપત કંઈ એમ બે-ચાર જણાથી કાબૂમાં આવે એમ નથી. માટે વધુ પોલીસ કામે લગાડાઈ, વધુ બાતમીદારો દોડતા કરાયા. દરમિયાન ભૂપત ખરેડી ગામે ત્રાટક્યો. અહીં આવતા પહેલાં બધાએ વેશપલટો કરી લીધેલો. વેશપલટામાં આખી ગેંગ માહેર હતી. લૂંટ કર્યા પછી રાણાને ફિલ્મ જોવાનું મન થયું તો એ એકલો ખટારામાં બેસીને રાજકોટ ગયો. અહીં તેને કોઈ ઓળખ્યું નહીં એટલે 'ચંદ્રલેખા' નામની ફિલ્મ (મૂળ તમિલ હતી અને હિન્દીમાં ડબ થયેલી) જોઈ નાખી અને વળતા ગ્રામોફોન પણ ખરીદતો આવ્યો! એ રીતે એક દિવસ ભૂપત અને રાણો બંને નેતાનો વેશ ધારણ કરી પોલીસના ચેકિંગ વચ્ચેથી સરળતાથી ગામતરાં કરી આવેલા.
સરકારની ઊંઘ રોજ રોજ વધારે હરામ થતી જતી હતી. સૌરાષ્ટ્રના ગૃહપ્રધાન રસિકલાલે તો ફરમાન જાહેર કરેલું કે જ્યાં સુધી ભૂપત ન પકડાય ત્યાં સુધી પોલીસના પગાર કાપી લેવા! ભૂપત અને પોલીસ અનેક વખત સામસામે આવતા અને દર વખતે પોલીસે પીછેહઠ કરવાની થતી. એક વખતે ભૂપત જેતપુર પાસેના વાળા ડુંગરની તળેટીમાં હતો. પોલીસને ભૂપતની ત્યાં હાજરી હોવાની ખબર પડી ગઈ. ચારે બાજુથી ગાડીઓ ભરાઈ ખાખી વર્દીધારીઓ ઠલવાવા લાગ્યા. બધાને થયું કે આજે તો ભૂપતને પકડયે પાર! ડુંગર પર ભૂપત અને રાણો એમ કુલ બે જણા હતા. ટેકરી ફરતે સાંજ સુધીમાં સાતસોએક સિપાઈઓ ભેગા થઈ ગયા. અલબત્ત, મૂછે લીંબુ લટકાવી ફરતા કોઈ પોલીસ અધિકારીઓ ભૂપત પાસે જવાની હિંમત કરી શકતા ન હતા. સામે પક્ષે ભૂપત રાત પડવાની રાહ જોતો હતો. ઘનઘોર અંઘારું છવાયું એ સાથે જ ભૂપત અને રાણો ક્યાં મળશું એ નક્કી કરી નોખા પડી ભાગી ગયા. નીચે પોલીસ ફીફાં ખાંડતી રહી અને આ બંને તેમની વચ્ચેથી જ ચુપચાપ જંગલમાં અલોપ થઈ ગયા.
એક દિવસ રાણાએ વડોદરા જવાની પરવાનગી માગી. ભૂપતની ઇચ્છા ન હતી, પણ તેણે કમને હા પાડી. રાણો અને એક બીજો સાથીદાર વડોદરા તરફ આવ્યા. પછી સૌરાષ્ટ્રમાં થોડો ખતરો લાગતા ભૂપત પણ મધ્ય ગુજરાત તરફ આગળ વધેલો. દરમિયાન રાણા સુધી પહોંચવામાં સરકાર સફળ થઈ અને તેને કરજણની સીમમાં ભડાકે દેવાયો. ભૂપતનો એક સાથીદાર એ રીતે ઓછો થયો. ભૂપત માટે એ પહેલો આઘાત હતો. પહેલી વાર સરકારના હાથે તેને માર પડયો હતો. રાણાના મોતના ખબર મળ્યા એ ક્ષણે જ ભૂપતના રૂવાડાં ઊભાં થયાં અને તેણે પોતાના સાથીદારોને પોતાનો નિર્ણય જણાવ્યો કે હવે સોરઠ છોડી દેવું છે.
સરકારને ખબર પડી કે ભૂપત ભાગી જશે એટલે સરકારે ભૂપતના રસ્તે નાકાબંધી કરી. સામે પક્ષે ભૂપત પણ ચુપચાપ રવાના થવાના બદલે રસ્તામાં સરકારના માણસો આડા ઊતરે તેનાં માથાં વાઢી લેવાનાં ઇરાદા સાથે જ આગળ વધતો હતો. ભૂપતને પાકિસ્તાન જવું હતું. સરકારે ભૂપતના કુટુંબીજનોને પકડી તેમના પર ત્રાસ ગુજારવો શરૂ કર્યો. ભૂપતને એ ખબર પડી ત્યારે એ વધારે ભુરાયો થયો અને તેણે છ કોંગ્રેસીની લાશો સરકારને મોકલી. સાથે સંદેશો આપ્યો કે મારા નિર્દોષ કુટુંબીજનોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી રોજ રોજ લાશોની સંખ્યા વધતી રહેશે. સરાકારે બીજા જ દિવસે ભૂપતના કુટુંબીઓને છોડી દીધા. એ વખતે ચૂંટણી આવી ત્યારે ભૂપતે તેને અને બીજા નિર્દોષોને રંજાડતી સરકારના કેટલાય કાર્યકરોને ભડાકે દીધા. મતદાન માટે આંગળી પર શાહીનું ટીપું પડે એ પહેલા ભૂપતની ગોળીઓથી લોહીનાં છાંટણાં થતાં. સૌરાષ્ટ્ર સરકારે છેક નહેરુ સુધી ખબર પહોંચાડેલા કે ભૂપત પકડાતો નથી માટે વધારે પોલીસ આપો. એમાં પુનાથી ખાસ કાનેટકર નામના ઉચ્ચ પોલીસ અધિકારીને ભૂપત સામે લડવા સોરઠમાં મોકલાયેલા.
લડતાં લડતાં ભૂપતના વધુ બે સાથીદારો દેવાયત અને રામ પણ હવે ખપી ગયા હતા. પરિણામે પાકિસ્તાન જવાનો ઇરાદો વધુ મજબૂત બન્યો. કઈ તારીખે અને કયા રસ્તે પોતે પાકિસ્તાન જાય છે, એ ભૂપતે સરકારને જાણ કરી. સાથે ચેલેન્જ પણ આપી કે જેમણે સવા શેર સૂંઠ ખાધી હોય એ આવજો અમારો રસ્તો આંતરવા! પણ સરકાર કાયમ નમાલી જ હોય છે. ભૂપત આડું કોઈ ફરક્યું નહીં અને એ લોકો પાકિસ્તાન પહોંચી ગયા. પાકિસ્તાનમાં તેમની ધરપકડ થઈ, પણ બહારવટિયા તરીકે નહીં, એક સામાન્ય ઘૂસણખોર તરીકે. એ તારીખ હતી, ૧૯૫૨ની ૬ઠ્ઠી જૂન. અહીં ભૂપત અને તેના ૩ સાથીદારોને છ મહિના-વરસની સજા થઈ. ૧૦૦ રૂપિયા જેવો દંડ પણ થયો. બધાએ એ સજા સ્વીકારી લીધી.
👉 પાકિસ્તાનમાં ભુપત બહારવટીયો
થોડા વખત પછી તેઓ છૂટી ગયા. અહીં તેઓ આઝાદ હતા. ભારત સરકારે જોકે ભૂપતના પ્રત્યાર્પણની માંગણી કરેલી, પણ પાકિસ્તાન ભૂપતને છોડવા માટે રાજી ન હતું. અહીં તેણે નવી જિંદગી શરૂ કરી. ૧૯૨૧માં જન્મેલા ભૂપતે હજુ તો ત્રીસી વટાવી હતી. પૈસાની ખાસ કમી હતી નહીં એટલે કરાચીમાં તેણે દૂધની ડેરી શરૂ કરી. તેની પાસે દસેક ભેંસો હતી, જેનું દૂધ વેચી મહિને એકાદ હજાર જેવી રકમ મેળવી લેતો હતો. સોરઠમાં ભૂપતનાં પત્ની અને સંતાનો હતાં, પણ ભૂપતે ત્યાં બીજાં લગ્ન કરી લીધાં. અહીં ભૂપત ઇસ્લામ અંગિકાર કરી અમિન યૂસુફ બની ગયેલો. ૭૦ ગુનાના આરોપી ભૂપતે પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયાની લૂંટ કરેલી અને ૮૭ લોકોને ભડાકે દીધેલા. એ જ ભૂપત પાછલી જિંદગીમાં કરાચીની બલ્દિયા કોલોનીમાં રહેતો ત્યારે કોઈને લાગતું નહીં કે આ ભાઈથી એક સમયે સોરઠ સરકાર થરથર ધ્રૂજતી હતી. અહીં જ ૧૯૯૬ની ૨૮મી સપ્ટેમ્બરે ભૂપતે અંતિમ શ્વાસ લીધો. એ કુદરતી મોતે મરાયેલો. કરાંચીમાં જ તેની કબર છે અને ત્યાં એ ચીર નિદ્રામાં પોઢયો છે.
ભૂપતના મોતના ખબર મળ્યા ત્યારે આજીવન તેની રાહમાં અહીં રહેલા તેમના પત્ની તેજબાએ કપાળમાંથી ચાંદલો ભૂસી નાખ્યો. સુહાગણના શણગાર ત્યજી તેણે વૈધવ્ય ધારણ કર્યું. એ તેજબાનું અમરેલી જિલ્લાના બરવાળા બાવીસી ગામે છેક ૨૦૦૬માં ૮૨ વર્ષની વયે મોત થયું. ભૂપત અને તેના સાથીદારોના વારસદારો આજે હયાત છે. ભૂપતનો એક દીકરો પાકિસ્તાની લશ્કરમાં છે. કાળુવાંકનાં પત્નીના નામે જૂનાગઢના વંથલી રોડ પર હંસાબા મેરામભાઈ વાળા કન્યા છાત્રાલય ચાલે છે.
(કાઠીઓમાં પરિણીત સ્ત્રીઓની પાછળ પિતાનું નામ લાગતું હોય છે). વાઘણિયા આજેય ઊભું છે. ક્યારેક વાઘણિયાના પાદરમાંથી નીકળવાનું થાય તો બે ઘડી શ્વાસ લઈ જો જો, ક્યાંક ભૂપતના બહારવટાની સુગંધ આવશે, તો વળી દૂર દૂર ભૂપતના ભડાકા પણ સંભળાતા હશે.
સ્ત્રોત:- https://m.facebook.com/story.php?story_fbid=1488583701262292&id=100003320300210
FOLLOW ME ON TWITTER @yogendrabihola

Comments
Post a Comment