સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું.
સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું, આકાશમાં 50 હજાર ફૂટ પર વૈજ્ઞાનિકો કેવા પ્રયોગ કરશે?
પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાંથી પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાય છે.
દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે. આઠ એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણને લઈને વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે.
આ સમય છેલ્લા ચંદ્રગ્રહણોની તુલનામાં ઘણો લાંબો છે. આ કારણે જ આ ગ્રહણ દરમિયાન અનેક પ્રયોગો કરવામાં આવશે.
ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે. પરિણામ સ્વરૂપે જ્યારે ચંદ્ર પૂર્ણ સંરેખણ બિંદુ પર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાકી દે છે અને આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ.
જોકે આ વખતે સૂર્યગ્રહણ એટલે મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ ઘટનાને લાખો લોકો નિહાળી શકશે. એક અનુમાન પ્રમાણે 31 લાખ લોકો આ ગ્રહણને નિહાળી શકશે.
ગ્રહણ દરમિયાન ક્યા-ક્યા પ્રયોગ કરવામાંં આવશે?
અમેરિકાના ઉત્તરી કેરોલિનામાં આવેલી એનસી સ્ટેટ યુનિવર્સિટી અભ્યાસ કરશે કે આ ગ્રહણ વન્ય જીવોને કેવી રીતે અસર કરશે. આ પ્રયોગ ટેક્સાસ રાજ્યાના પ્રાણી સંગ્રહાલયમાં 20 જાનવરો વર્તનનો અભ્યાસ કરશે.
નાસાના ઍક્લિપ્સ સાઉન્ડસ્કેપ પ્રોજેક્ટ પણ જાનવરોનાં વર્તનનો અભ્યાસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી જાનવરોનો અવાજ રેકૉર્ડ કરવા માટે અને ગ્રહણના કારણે સંપૂર્ણ અંધકાર દરમિયાન જાનવરોની પ્રતિક્રિયાને રેકૉર્ડ કરવા માટે માઇક્રોફોન જેવાં નાનાં ઉપકરણો લગાવવામાં આવશે.
આ ઉપરાંત અમેરિકાના વર્જિનિયામાં નાસાના વૉલૉપ્સ બેઝ પરથી ઍક્લિપ્સ બેલ્ટથી દૂર ત્રણ સાઉન્ડિંગ રૉકેટ લૉન્ચ કરવામાં આવશે. ઍમ્બ્રી રિડલ ઍરોનૉટિકલ યુનિવર્સિટીના આરોહ બડજાત્યા આ પ્રયોગનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ રૉકેટ સૂર્ય ગ્રહણ દરમિયાન વાયુમંડળમાં થતા બદલાવોને રેકૉર્ડ કરશે.
ત્રણેય સાઉન્ડિંગ રૉકેટ ધરતીથી 420 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે અને પછી ધરતી પર ક્રેશ થઈ જશે. પ્રથમ રૉકેટને ગ્રહણ પૂર્ણ થાય તેની 45 મિનિટ પહેલાં, બીજા રૉકેટને ગ્રહણ દરમિયાન અને ત્રીજા રૉકેટને ગ્રહણની 45 મિનિટ પછી લૉન્ચ કરવામાં આવશે.
પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટર ઊંચાઈએ શરૂ થતી વાયુમંડળની પરતને આયનમંડળ કહેવામાં આવે છે. આ પરતમાં આયન અને ઇલેક્ટ્રૉન હોય છે.
આ રૉકેટોમાં લાગેલાં ઉપકરણો આયનમંડળના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને માપશે, જે પૃથ્વીના વાયુમંડળનું એક ક્ષેત્ર છે.
સામાન્ય સ્થિતિમાં આયનમંડળના ઉતાર-ચડાવ ઉપગ્રહના સંચારને પ્રભાવિત કરે છે. સૂર્યગ્રહણ આ પરિવર્તનનો વિસ્તરિત અભ્યાસ કરવા માટેનો એક દુર્લભ મોકો આપે છે. કારણ કે આ અભ્યાસ થકી જાણી શકાશે કે કઈ વસ્તુઓ આપણી સંચાર પ્રણાલીઓને પ્રભાવિત કરી શકે છે.
નાસાની મદદથી વધુ એક રસપ્રદ પ્રયોગ કરવામાં આવશે જેનું નામ ઍક્લિપ્સ મેગામૂવી છે.
આ પ્રયોગના ભાગ રૂપે સૂર્યગ્રહણ જોનાર લોકોને તેની તસવીર લેવાની અપીલ કરવામાં આવી છે.
અલગ-અલગ સ્થળેથી હજારો લોકોએ લીધેલી તસવીરોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જોડવામાં આવશે અને તેનું વિશ્લેષણ કરવામાં આવશે.
આ કારણે ગ્રહણ દરમિયાન સૂર્યના કોરોના એટલે કે સૂર્યની ચારેતરફ અલગ-અલગ ગેસોથી બનેલા વાતાવરણની અલગ-અલગ તસવીરો મળશે.
સૂર્યની સપાટી પર તીવ્ર પ્રકાશને કારણે તેની આસપાસનું આવરણ જરાય દેખાતું નથી અને તેને જોવા માટે વિશેષ ઉપકરણોની જરૂરિયાત પડે છે.
જોકે, આ ગ્રહણ દરમિયાન કોરોના સૂર્યની ચારેતરફ જોઈ શકાશે અને સૂર્યની અત્યંત નજીકના તારાઓ પણ દેખાશે અને તેનો અભ્યાસ પણ એક લક્ષ્ય છે.
નાસાના હાઈ ઍલ્ટિટ્યૂડ રિસર્ચ પ્લેન 50,000 ફૂટની ઊંચાઈએથી ગ્રહણની તસવીરો ખેંચશે. ગ્રહણ જેવી રીતે મેક્સિકોથી આગળ વધશે તેની સાથે જ વિમાન પણ આગળ વધશે અને આ વિમાનોમાં કેટલાંક અન્ય ઉપકરણો પણ છે.
આ ઉપરાંત ગ્રહણ દરમિયાન વાયુમંડળ અને જળવાયુ પરિવર્તનને રેકૉર્ડ કરવા માટે એક ઍક્લિપ્સ બલુન પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવશે.
લગભગ 600 ફુગ્ગાઓ વાયુમંડળમાં છોડવામાં આવશે. પૃથ્વીની સપાટીથી 35 કિલોમીટર ઊંચાઈ સુધી ઊડી શકતા આ ફુગ્ગાઓ સાથે વિભિન્ન ઉપકરણો રેકૉર્ડ નોંધશે.
આ ઉપરાંત પાર્કર સોલાર પ્રોબ, યૂરોપીય અંતરિક્ષ એજન્સી અને નાસાના સોલાર ઑર્બિટર અને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર સવાર અંતરિક્ષયાત્રીઓ નિશ્ચિતપણે આ ગ્રહણનો અભ્યાસ કરશે.
ગ્રહણોના કારણે ભૂતકાળમાં મહત્ત્વપૂર્ણ શોધો
આવનારા સૂર્યગ્રહણ દરમિયાન ઘણા બધા અલગ-અલગ પ્રયોગો અને અભ્યાસો થવાના છે. જોકે, ભૂતકાળમાં પણ ગ્રહણ દરમિયાન કરેલા અભ્યાસને કારણે ઇતિહાસમાં કેટલીક મહત્ત્વપૂર્ણ શોધો થઈ છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત 19 મે, 1919ના રોજ થયેલા પૂર્ણ સૂર્ય ગ્રહણ દરમિયાન આર્થર ઍડિન્ગટને લીધેલી એક તસવીરમાં સિદ્ધ થયો હતો.
હીલિયમની શોધ 1866માં સૂર્ય ગ્રહણના રેકૉર્ડિંગ દરમિયાન થઈ હતી.
ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી પર પડતા ઘુમાવદાર પડછાયાને કારણે જ સાબિત થયું કે પૃથ્વી ગોળ છે અને ચપટી નહીં.
Very Informative 👍
ReplyDelete